વાયુ પ્રદૂષણ પર અંકુશ લાવવા માટે એક અનોખી પહેલ અંતર્ગત મુંબઈ સ્થિત એડવર્ટાઈઝિંગ ફર્મ VMLY&R દ્વારા ઉત્તરાયણના દિવસે અમદાવાદના અમુક વિસ્તારોમાં ‘પ્રદૂષણ વિરોધી’ પતંગોનું વિતરણ કર્યું હતું.
પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શહેરના શાહપુર, દરિયાપુર, વસ્ત્રાલ, સીટીએમ, મહાદેવનગર અને સુરેલિયા એસ્ટેટ વિસ્તારોમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ લગભગ 3,500 પ્રદૂષણ વિરોધી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પતંગોની વિશિષ્ટતા સમજાવતા VMLY&Rના ચીફ ક્રિએટીવ ઓફિસર શ્રી મુકુંદ ઓલેટીએ જણાવ્યું હતું કે, ”પાયલોટ પ્રોજેક્ટ પાછળનો આઈડિયા પ્રદૂષણ વિરોધી પતંગોનું પરીક્ષણ કરવાનો અને હવાની ગુણવત્તા વિશે જાગૃતિ લાવવાનો છે. આ પ્રદૂષણ વિરોધી પતંગો શ્વસનનળીમાં બળતરા, શ્વસન સંબંધી સમસ્યા અને ફેફસાની પેશીઓને નુકસાન પહોંચાડતા મુખ્ય વાયુ પ્રદૂષકો જેવા કે પાર્ટિક્યુલેટ મેટર (PM) 2.5 અથવા તેનાથી પણ વધુ ઝીણા કણોને આકર્ષીને પકડી પાડે છે છે.”
”આ પતંગો બનાવવા માટે વપરાતા કાગળ પર તત્વમ એન્વાયરોટેક દ્વારા વિકસિત ખાસ કોટિંગ છાંટવામાં આવે છે, જે વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરે છે. આ પતંગો પરંપરાગત, બાયોડિગ્રેડેબલ કાગળના પતંગોથી અલગ નથી. આ પતંગોને ઉડાવ્યા બાદ સરળતાથી તેનો નિકાલ કરી શકાય છે. ઉત્તરાયણના તહેવારોમાં હજારો લોકો ટેરેસ પર પતંગ ઉડાવવાની સાથે બહારની હવા શ્વાસમાં લે છે, ત્યારે આ પતંગો પ્રદૂષણમાં ઘટાડો કરી શકે છે તેવુ શ્રી મુકુંદ ઓલેટીએ સમજાવ્યું હતું.”
ખંભાત સ્થિત એ.ટી. પતંગવાલા દ્વારા આ પતંગોનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલ ભારતીય શહેરોમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે, ત્યારે આ પતંગની મદદથી હવાના પ્રદૂષણને દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે.
આગામી દિવસોમાં અમે બાળકોમાં વાયુ પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવા માટે રાજ્યભરની શાળાઓમાં આ પતંગો લઈ જઈશું.
આ પ્રોજેક્ટ અંગેના પરિણામો અને ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, અમે અમારા તારણો રાજ્યના પ્રદૂષણ મંત્રાલયને પણ રજૂ કરીશું. અમે આવતા વર્ષે ખાસ કરીને શાળાઓમાં આ પ્રોજેક્ટને મોટા પાયે વિસ્તારવાની પણ યોજના બનાવીએ છીએ.
આ સાથે અમે લોકોને અને પતંગબાજોને રોજીંદી પ્રવૃતિ જેવી કે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરીને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં તેમની ભૂમિકા ભજવવા કહીશું, કારણ કે હવાની ગુણવત્તા સુધારવા માટે આપણને તમામ દિશામાં પ્રયત્નો અને નવીનતાની જરૂર છે.