Ahmedabad News: અમદાવાદમાં પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
Ahmedabad News: અમદાવાદમાં શાહીબાગમાં આવેલી પોલીસ કમિશ્નરની ઓફિસના થોડા અંતરેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે એસએસસી ત્રાટકી હતી. પોલીસે 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
ગીર ગઢડામાં દારૂ સંતાડવા બુટલેગરોએ જમીનમાં બનાવી હતી ઓરડી
ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.15 લાખની કિંમતનો 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના શખ્સે મોકલેલો હતો. જે અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છૂપો રહે તે માટે બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ખાડા જેવું નજરે પડતા અંદાજે 6 બાય 4ની સાઈઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો, જેને એલસીબીએ શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક પાછળ ઘૂસી કાર, બે જણાના ઘટનાસ્થળે મોત
રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટ- જામનગર હાઈવે પર મોડીરાત્રે ચાલુ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિતના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે કારમાં સવાર બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.