વડોદરા: શહેરના પ્રતાપ નગરના ડભોઇ રોડ સ્થિત ઝેનીથ સ્કૂલ દ્વારા ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને 4 કલાક લાયબ્રેરીમાં બેસાડી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે.
વડોદરા: શહેરના પ્રતાપ નગરના ડભોઇ રોડ સ્થિત ઝેનીથ સ્કૂલ દ્વારા ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને 4 કલાક લાયબ્રેરીમાં બેસાડી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. પાણીગેટ વિસ્તારમાં રહેતા રિઝવાન પઠાણનો 9 વર્ષીય પુત્ર રેહાન ડભોઇ રોડ સ્થિત ઝેનીથ સ્કૂલમાં ધોરણ 4 માં અભ્યાસ કરે છે. તેના પિતા રિઝવાન અને માતા નિલોફર પઠાણે શાળા પર આરોપ લગાવ્યા છે કે, તેઓએ આર્થિક સંકડામણને કારણે ફીનો ત્રીજો હપ્તો ભર્યો ન હતો જેને કારણે શાળાના સંચાલકોએ રેહાનને 4 કલાક લાયબ્રેરીમાં બેસાડી રાખ્યો હતો. જેથી બાળકને માનસિક આઘાત લાગ્યો હતો અને બે દિવસથી બીમાર પડી ગયો હતો. આ મામલે પરિવાર ડી.ઇ.ઓ અને પોલીસમાં ફરિયાદ કરશે.
તો બીજી તરફ શાળા સંચાલકોએ તો બધી હદો પાર કરી દેતા નિવેદન આપ્યું કે વિદ્યાર્થીના પરિવારજનો ફી ભરતા ન હતા અને ફોન ઉપાડતા ન હતા તેથી તેના પરિવારજનો મળવા આવે એટલે પાઠ ભણાવવા તેમના બાળકને લાયબ્રેરીમાં બેસાડી રાખ્યો હતો. હાલ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસે પણ આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી શાળા સામે તપાસના આદેશ આપ્યા છે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના પરિવારની ફી ન ભરવી અને શાળા દ્વારા ફી માટે કરાતા તમામ પ્રયાસો વચ્ચે કુમળા બાળકને માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો છે.