સુરતના કામરેજના બાપા સીતારામ ચોક પાસે સફાઈ કર્મચારી વીજપોલ નજીક કચરો એકઠો કરી સળગાવવા જતા ત્યાં જંપરના વીજ વાયરને અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો.
સુરત: સુરતમાં વધુ એકવાર વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. વીજ કંપનીની બેદરકારીએ સફાઈ કર્મચારીનો જીવ લીધો છે. સુરતના કામરેજના બાપા સીતારામ ચોક પાસે સફાઈ કર્મચારી વીજપોલ નજીક કચરો એકઠો કરી સળગાવવા જતા ત્યાં જંપરના વીજ વાયરને અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો. વીજ વાયર કપાળના ભાગે અડી જતા જોરદાર કરંટ લાગ્યો અન્ય સાથી કર્મચારીએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતું સફાઈ કર્મીને ન બચાવી શકાયો. કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સફાઈકર્મી કચરો એકઠો કરવા માટે વીજપોલ નજીક જાય છે ત્યારે અચાનક જ વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગે છે. આ દરમિયાન અન્ય સાથી સફાઈકર્મી તેને બચાવવા માટે પ્રયાસ કરે છે પરંતુ સફાઈકર્મીને બચાવી શકાયો નથી. પોલીસે આ સમગ્ર ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.
ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યાં. અહીં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.